મુર્શિદ (ગુરુ) માં વિલિન થવું – સૂફી અર્થ
મુર્શિદ (ગુરુ) માં વિલિન થવું – સૂફી અર્થ
"ફના ફીશ્ શૈખ" એટલે કે મુર્શિદ (ગુરુ) માં વિલિન થવું એ એક ઊંડો સૂફી ખ્યાલ છે, જે ખરેખર "ફના ફીલ્લાહ" (અલ્લાહમાં વિલિન થવું) ની પ્રથમ અવસ્થા માનવામાં આવે છે. આ એ આધ્યાત્મિક સફરની એક ભૂમિકા છે, જેમાં મુરીદ (શિષ્ય) પોતાના મુર્શિદ (ગુરુ) ની આધ્યાત્મિકતા અને શિક્ષણમાં એટલો લીન થઈ આત્મસાત કરે છે કે તેની પોતાની ઇચ્છાઓ અને અહંકાર મટી જાય છે, અને તેનું આંતરિક અસ્તિત્વ મુર્શિદ (ગુરુ) ના આધ્યાત્મિક ગુણો (પ્રકાશ) થી ઉજ્જવળ થઈ જાય છે.
મુર્શિદ (ગુરુ) માં વિલિન થવાનો અર્થ
1. અહંકારનો ત્યાગ – પોતાની જાત, ગર્વ અને અંગત ઇચ્છાઓને છોડીને મુર્શિદ (ગુરુ) ની શીખ પર સંપૂર્ણ ભરોસો રાખવો.
2. મુર્શિદ (ગુરુ) ના આધ્યાત્મિક માર્ગ દર્શન માં જીવવું – પોતાના વિચારો, કર્મો અને નિર્ણયોને મુર્શિદ (ગુરુ) દ્વારા બતાવેલા માર્ગ પ્રમાણે સ્વીકારી લેવું.
3. મુર્શિદ (ગુરુ) ને સત્યનિષ્ઠા સાથે આધ્યાત્મિક માર્ગદર્શક માનવો – જેમ એક દીવો બીજા દીવાને પ્રજ્વલિત કરે છે, તેમ મુર્શિદ (ગુરુ) મુરીદ (શિષ્ય) ના હૃદય ને શુદ્ધિકરણ પ્રક્રિયામાંથી પસાર કરી અલ્લાહની મહોબ્બત પ્રજ્વલત કરે છે.
4. મુર્શિદ (ગુરુ) ની આધ્યાત્મિક ગુણોમાં એટલા સુધી ડૂબી જવું કે પોતાનું અસ્તિત્વ ભૂલી જવું – એટલે કે મુરીદ (શિષ્ય) માટે મુર્શિદ (ગુરુ) ની અનુકરણ અને શિક્ષણ જ સર્વસ્વ બની જાય અને તેને પોતાનું અલગ અસ્તિત્વ પણ અનુભવાતું ન રહે.
જલાલુદ્દીન રૂમી અને ફના ફીશ્ શૈખ.
જલાલુદ્દીન રૂમીનું જીવન આ સત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓ શમ્સ તબરીઝની મહોબ્બતમાં એટલા વિલિન થઈ ગયા કે પોતાની દુનિયાદારી ભૂલી ગયા. જ્યારે શમ્સ તબરીઝ ગુમ થઈ ગયા, ત્યારે રૂમીની આખી દુનિયા બદલાઈ ગઈ, અને તેઓ એવી રૂહાની અનુભૂતિમાં પ્રવેશી ગયા કે "મસ્નવી" જેવી મહાન કૃતિ રચી, જે આજ પણ એક આધ્યાત્મિક ખજાનો છે.
રૂમી કહે છે:
"જો તું સત્યને પામવા ઈચ્છે છે, તો પોતાને એક પરિપૂર્ણ મુર્શિદ (ગુરુ) ના શરણાં સોપી દે, જેમ કે લોખંડ અગ્નિમાં પીગળી જાય અને પોતે પણ તેજસ્વી બની જાય."
વિલિનતાથી અલ્લાહ સુધીનો માર્ગ
મુર્શિદ (ગુરુ) માં વિલિન થવું ખરેખર અલ્લાહ સુધી પહોંચવાનો એક માધ્યમ છે. મુર્શિદ (ગુરુ) , શિષ્યને પોતાની ઓળખમાં વિલિન કરતો નથી, પરંતુ અલ્લાહની સાચી અનુભૂતિ તરફ દોરી જાય છે. આ એ જ રીતે છે, જેમ કે સૂર્યનો પ્રકાશ અરીસામાં પ્રતિબિંબિત થઈ શકે – મુર્શિદ (ગુરુ) એ અરીસો છે જેમાં સાધક (શિષ્ય) અલ્લાહના નૂરને જોવાનું શીખે છે.
નિષ્કર્ષ:
મુર્શિદ (ગુરુ) માં વિલિન થવાનો અર્થ સમર્પણ અને આધ્યાત્મિક સંતોષ છે. પણ આ વિલિનતા એક દ્વાર છે, જેનાથી આગળ ફના ફીલ્લાહ ની ઊંચી અવસ્થા આવે છે, જ્યાં સાધક અલ્લાહની અસલ નજદીકી (સાનિધ્ય) પ્રાપ્ત કરે છે.
0 ટિપ્પણીઓ